Last Update : 29-April-2012, Sunday

 

આશરા ધર્મને ઉજાગર કરતી સૌરાષ્ટ્રની સૌથી મોટી ભૂચર મોરીની લડાઇ

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ
 

 

સૌરાષ્ટની ધીંગી ધરતી સંતો મહંતો જોગી-જતીઓ, સતીઓ અને રણશૂરા રાજપૂતોની કર્મભૂમિ તરીકે ઉન્નત મસ્તકે ઉભી છે. આશરાનો ધર્મ નિભાવવા માટે અનેક દૂધમલિયા અને મંિઢોળબંધાઓએ પોતાનાં લીલુંડાં મસ્તક કુરબાન કરી ઇતિહાસના પાને પોતાનાં નામો સુવર્ણ અક્ષરે અંકિત કર્યા છે. આજે મારે વાત કરવી છે સૌરાષ્ટ્રના ક્ષાત્ર અને આશરાધર્મને ઉજાગર કરનાર ભૂચર મોરીની લડાઇની. ભૂચર મોરીની લડાઇ તો એક ક્ષત્રિય રાજવીએ શરણે આવેલા મુસ્લીમ સુબાને બચાવવા માટે, શરણાગત ધર્મને સાચવવા માટે ખેલેલ યુદ્ધ હતું. જામનગરના જામસતાજી અને દિલ્હીના શહેનશાહ અકબર બાદશાહના લશ્કર વચ્ચે થયેલું ખૂનખાર યુદ્ધ હતું.
વિદેશી શાસક મહંમદ ગઝનીની સોમનાથ પરની ચડાઇ (ઇ.સ. ૧૦૨૪-૨૫) પ્રસંગની લડાઇ પછી સૌરાષ્ટ્રની ધરતી ઉપર મિઠોઇની લડાઇ, ચિત્તલ અને ભિમોરાની લડાઇ જેવી રજવાડાંઓની અંદરો અંદરની નાની લડાઇઓ તો અસંખ્ય થઇ હતી, પણ એ બધામાં ઇતિહાસવિદો જેને ‘સૌરાષ્ટ્રના પાણીપત’ની ઉપમા આપે છે એવી સૌરાષ્ટ્રની ભૂમિ પરની છેલ્લી ભયંકર લડાઇ, જામનગર જિલ્લામાં ધ્રોળ નગરથી આશરે બેએક કિ.મી.ના અંતરે આવેલી ‘ભૂચર મોરી’ નામની ધાર ઉપર ખેલાઇ એ સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું યુદ્ધ ગણાયું છે. જામસતાજીના શરણે આવેલા બાદશાહ અકબરના ગુનેગાર મુઝફ્‌ફરશાહ ત્રીજાના રક્ષણ માટે, ક્ષત્રિયોના શરણાગતના ધર્મના પાલન માટે થયેલું યુદ્ધ હતું.
નવાનગર જામનગર રાજ્યના દફતરની નોંધ મુજબ આ યુદ્ધ વિ.સં. ૧૬૪૮ (ઇ.સ. ૧૫૯૨)ના શ્રાવણ વદી (શિતળા) સાતમ ને બુધવારના રોજ પૂરું થયું. એના સમર્થનમાં શ્રી ગંભીરસંિહ પરમાર આ દૂહો નોંધે છે.
‘સંવત સોળ અડતાલીસે, સાવણ માસ ઉદાર,
જામ અજો સૂરપૂર ગયો, વદ સાતમ બુધવાર
આ યુદ્ધ જામનગરના મીંઢોળ બંધા અજાજી અને સેંકડો શૂરવીર યોઘ્ધાઓના બલિદાનની અમર કહાની છે. શૂરવીરોના લોહીથી ભીંજાયેલી હાલાર પંથકની ધરતી શૂરવીરોને પોતાના ખોળામાં પોઢાડી અમર બલિદાનની યશપતાકા લહેરાવતી ઊભી છે અને સેંકડો વર્ષોથી શૂરવીરોના પાળિયા અને ખાંભીઓને પોતાની ઘૂળના રજકણોથી જાણે કે અર્ઘ્ય આપી રહી છે.
આ લડાઇના ઐતિહાસિક કારણો ઉપર આવીએ એ પહેલાં ‘ભૂચર મોરી’ના સ્થળની વાત કરી લઇએ. ભૂચર મોરી એ તો મૂળ નામ છે. મોરી શાખાના એક માલધારી રાજપૂતની. એ પોતાની ગાયોની ઝોક લઇને આ ધાર ઉપર લાંબા વખતથી બેસતો, પરિણામે આ સ્થળ ભૂચર-મોરીના ટીંબા તરીકે ઓળખાતું. રાજકોટથી ઉત્તરે આશરે પચાસેક કિ.મિ.ના અંતરે ધ્રોળ ગામથી વાયવ્ય ખૂણામાં જોડિયા તરફ જતાં આશરે બેએક કિ.મિ.ના અંતરે આવેલું છે. આ નિર્જન વેરાન સ્થળ એ જ આ ભયંકર યુઘ્ધભૂમિ ભૂચર મોરી. અહીંની લડાઇની રોમાંચક વિગતો અને વર્ણનો જામનગર રાજ્યના બે ગ્રંથો કવિ વજમાલજી મહેડુ રચિત (સને ૧૮૯૩) ‘વિભાવિલાસ’ અને શ્રી માવદાનજી રત્નુ રચિત ‘યદુવંશ પ્રકાશ’ (સને ૧૯૩૪)માંથી સુપેરે મળે છે. ભૂચર મોરીની લડાઇ ભરચોમાસે થવાના કારણો જાણતાં પહેલાં એ વખતના ઐતિહાસિક પ્રસંગો પર જરીક ઉડતી નજર કરી લઇએ.
ઇ.સ. ૧૫૭૩માં અકબરે ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્‌ફરશાહ ત્રીજા પાસેથી ગુજરાત જીતી લીઘું. મુઝફ્‌ફરશાહે તક મળતાં અમદાવાદ, સુરત અને ભરૂચ જીતી લીધાં. એ સમયે ગુજરાતનો સુબો અબ્દુલ રહીમખાન બંડને સમાવી શક્યો નહીં. આથી શાંતિ સ્થાપવા અકબરે પોતાના દૂધભાઇ અઝીઝ કોકાને ગુજરાતમા મોકલ્યો. એણે મુઝફ્‌ફરશાહને પકડી લીધો. અકબરે તેને આગ્રામાં કેદ રાખ્યો, પણ તે લાગ જોઇને નાસી છૂટયો. સલામત આશરો શોધવા સૌરાષ્ટ્રમાં લોમા ખુમાણ પાસે ગયો. પછી જામ સતાજીના આશ્રયે આવ્યો. એ વખતે અકબરના ગુનેગારને આશરો આપવાની કોઇ રાજવી હંિમત કરતા નહીં, પણ જામ સતાજીએ એને ખુલ્લેઆમ આશરો આપીને બરડાના ડુંગરમાં સંતાડી રાખ્યો.
બાદશાહ અકબરે મુજફ્‌ફરશાહને પકડવા મીર્ઝા અજીઝ કોકાને જંગી લશ્કર સાથે રવાના કર્યો. એણે વિરમગામ પાસે છાવણી નાખી. જામ સતાજીને કહેણ મોકલ્યું કે, ‘રાજના દુશ્મનને સોંપી દ્યો.’ જામ સતાજીએ જવાબમાં કહેવરાવ્યું કે ‘તમારો શાહી ગુનેગાર અમારો શરણાગત છે. શરણે આવેલાનું રક્ષણ કરવું એ રાજપૂતોનો ક્ષાત્ર ધર્મ છે. અમે કોઇ કાળે તમને નહીં સોંપીએ.’ આ જાણ્યા પછી અકબરે આગ્રાથી લશ્કરની વઘુ કુમક મોકલી. જામનગરને કબજે કરવા હુકમ કર્યો. મોગલ લશ્કર જામનગર ભણી રવાના થયું. જામસતાજી બાદશાહી ફોજનો મુકાબલો કરવા ધ્રોળની સરહદ સુધી ફોજ લઇને આવી ગયા જેથી જામનગરને લૂંટફાટ અને લડાઇના પરિણામોથી બચાવી શકાય.
ધરતી પર કેટલીક આફતો આવવાની હોય ત્યારે કુદરતી રીતે તેની આગાહીઓ મળતી હોય છે. યુદ્ધ અગાઉ મળેલા આવા સંકેતોની રસપ્રદ વાત ‘યદુવંશ પ્રકાશ’ની અગિયારમી કળામાં આપેલા ચારણી ગીતમાં આ પ્રમાણે નોંધી છે.
ધ્રોળમાં ભૂચર નામનો રાજપૂત માલધારી હતો. તેનું ધણ ધ્રોલ ઢુંકડી જે ધાર ઉપર બેસતું તે ધાર ઉપર રાતવરતનાં પક્ષીઓ બોલવા માંડયા. પક્ષીઓના ભયંકર અને બિહામણા અવાજની વાત ગોવાળિયાએ જઇને ભૂચર મોરીને કરી તેના મનમાં સંભ્રમ થતાં એ ત્યાં જઇને રાત રોકાયો. છ ઘડી રાત જતાં ચિત્રવિચિત્ર મોઢાંવાળા, વિકરાળ રૂપ, નખ અને દાંતવાળા પક્ષીઓ બિહામણા અવાજે બોલી ચાર પ્રહર રહીને ઉડી ગયાં. ભૂચર મોરીએ જઇને વજીરને વાત કરી. વજીરે પંડિતો, શુકન શાસ્ત્રીઓ અને જામતલ જોશીડાઓને ેતેડાવ્યા. એમણે કારણ કાઢયું. ‘પક્ષીઓની બોલી પરથી સમજાય છે કે આ ધરતી માથે રામાયણ - મહાભારત જેવું મહા ભયંકર યુદ્ધ થશે.’
આ રહસ્યમય વાત જાણવા માટે જેસા વજીરે પક્ષીની બોલી જાણનાર સિઘ્યને શોધી ભૂચર મોરીની સાથે કાગળ કલમ લઇને પેલી ધારપર મોકલ્યો. છ ઘડી રાત વીતી. પેલા પક્ષીઓ આવ્યાં ને આગમની વાત શરૂ કરીઃ ‘વર્ષાૠતુમાં શ્રાવણ માસના કૃષ્ણપક્ષની આઠમે આ સ્થળે માંસના ઘુ્રવ થશે. બાદશાહના અને જાડેજાના દળ ચોમેર વાદળની પેઠે ચડશે. ઝુંઝાવ નગારાંના અવાજો થશે. લોહીની નદીઓ વહેશે. ખાખરોના ઝણઝણાટ થશે. બખ્તરોની કડીઓ તૂટશે. તલવારોના સપાટા બોલશે. ઘોડાઓ હણહણાટી બોલાવશે. હાથીઓના વીરઘંટોના થણથણાટ થશે. જોગણીઓ લોહીના પાત્ર પીશે. શંકર રૂંઢમાળા બનાવશે. અપ્સરાઓ તથા હુરાંઓ વીરોને વરવા પુષ્યમાળાઓ બનાવશે. લડતા હંિદુ મુસલમાનોનું યુદ્ધ જોવા સૂર્ય પણ આકાશમાં થંભી જશે. તોપોના હૂસાકાથી આકાશ ઘૂંવાધાર થઇ રહેશે. ઘા બડકશે. ભૂચર ખેચર ભક્ષ વાસ્તે હડીઓ કાઢશે. કેટલાક વીરોનાં માથાં પડયાં પછી ધડ લડશે ને માથાં પટકારા કરશે. ઘોડાના ડાબલાઓથી ઉડતી રજથી સૂર્ય ઢંકાઇ જશે. વીરોની તલવારોથી બહબહાટીથી મદમસ્ત હાથીઓનો મદ પણ સૂકાઇ જશે. આપણને માંસ ધરવપૂર્ણ થશે. લોહીની નદીઓમાં પથરા તરશે. વીરો આનંદથી રમશે અને ભૂતપ્રેતો નાચશે. વીરોમાં કુંવર અજોજી બાદશાહી ફોજને લાડીની જેમ પરણી રણમેદાનમાં સૂશે. ૧૪ દિકરાઓ સહિત મહેરામણ, નાગડો, વજીર, ડાયો અને જેસો વજીર લડાઇમાં કામ આવશે. બંને ફોજનો વિનાશ થશે અને જામસાહેબના હાથમાં રણક્ષેત્ર રહેશે.
ગ્રંથના કર્તા કહે છે કે પક્ષિઓની ભવિષ્યવાણી પ્રમાણે ભરચોમાસે બાદશાહી ફોજ જામનગર માથે ચડી આવી. આ ફોજમાં કેવા સૈનિકો હતા તેનું વર્ણન આપે છે ઃ ‘ધનુષ-બાણ ધારણ કરનારા, અવળી રૂંવાડી વાળા, પહેરેલાં બખ્તરો તથા દસ્તાનાઓથી દીપતા. ખોરાકમાં અર્ધો અર્ધો પાડો ખાઇ જાય એવા, અકેકી દારૂની ભઠ્ઠી પી જાય એવા, કલબલી ભાષાના બોલનારા, માંજરી આંખોવાળા, ચીબા મુખવાળા, નીલા રંગના કપડાં ધારણ કરનારા, પાંચ વખત નમાજ પઢનારા, કેટલાક રોમી, આરબી, રૂસી, કંદહારી, કાબલી, ખુરાસાની, ઇરાની, તુરકાની, ફિરકાની, હબસાની, મીરકાની, મુકરાણી, સંધી વગેરે મુસલમાનોનાં જુથે જુથ ૩૬ આયુધો ધારણ કરી, કેટલાક દેશોને ઉલ્લંઘતા અને કેટલાક રાજાઓને નમાવતાં મિર્ઝા અજીઝે જંગી ફોજ સાથે જામનગર તરફ કૂચ કરી.
આ સમાચાર મળતાં જ જામસતાજીએ મિર્ઝા અજીઝને પોંખવા માટે ફોજ તૈયાર કરી. એમાં હાપા, કાના, બાળાચ, જીયા, કબર, દલ, મોડ, રાવ વગેરે જાડેજાઓના જૂથ, સોઢાઓ, આહિરો, તુંબેલ, ચારણો, ઘૂંધણ, ધમણ, સુમરા ને સંધી, રાજગોર અને બારોટ જૂથો હતાં. કુંવર જસાજી, ભાણજી દલ, હાલા મહેરામણ, તોગાજી સોઢા, જેસો વજીર, ડાયો વજીર, નાગજી વજીર વગેરે વફાદાર સરદારો અને શૂરવીરો હતા. ખરેડીનો લોમો ખુમાણ દસ હજાર કાઠીઓને લઇને સતાજીની કુમકે આવ્યો. જૂનાગઢના નવાબ દોલતખાને પંદર હજારનું સૈન્ય મોકલ્યું. કચ્છના રાવ ભારાએ પાંચ હજાર સૈનિકો મોકલ્યા. ઓખાના સાંગણજી વાઢેર અને મૂળીના શૂરવીર સરદાર વાસાજી પરમાર પોતાના સૈન્ય સાથે જામનગર આવી પહોંચ્યા. કચ્છ ભદ્રેસરના મહેરામણ અજાણી પોતાના ૧૪ કુંવરો સાથે જામનગરની સખાતે આવ્યા. જામ સતાજી પાસે સત્તર હજારનું સૈન્ય હતું. એ વખતે ૧૫૦૦ જેટલા નાગડા બાવાની જમાત દ્વારકાની જાતરા જુહારીને પાછી ફરતી હતી. ધર્મયુદ્ધમાં ભાગ લેવા માટે બાવાઓની જમાત પણ ભળી. બરાબર એ સમયે જામનગરના પાટવી કુંવર અજાજી ત્રીજાની લગ્ન લેવાયા હતા. અજાજીની જાનમાં ૫૦૦ તેગબહાદુરે શૂરવીરો મોકલવાની વ્યવસ્થા કરાઇ.
આ તરફ ગંગાજળના સ્નાન કરી, કેશરના તિલક કરી, તુલસીના મંજર મસ્તક ઉપર ધારણ કરી, પંચરત્ન તથા શાલિગ્રામ ગળામાં ધારણ કરી, પોતાના ઇષ્ટદેવોનું સ્મરણ કરી, શક્તિ પ્રમાણે પૂણ્ય કરી, ખૂબ કસૂંબા પી, ભાત ભાતનાં ભોજન આરોગી, છત્રીસે શાસ્ત્રો ધારણ કરી મરવા- મારવાનો નિશ્ચય કરી જામશ્રીના યોઘ્ધાઓ તૈયાર થવા લાગ્યા. શ્રી માવદાનજી રત્નુ એને આમ વર્ણવે છે. બીજી તરફ ઉત્તમ જાતિના નકચક્ષની શોભાવાળા, ખોટ વગરના અસલ જાતિના બીજના ચંદ્ર જેવા વાંકા મોંવાળા, કમળ સરખા નાક વાળા, પુનમના ચંદ્ર જેવા ચાસરાવાળા, સૂર્યના ઘોડા જેવા શાલિગ્રામ સરખા શ્યામ નેત્રોવાળા, લેખણ અને શાગોસના જેવા કાનોવાળા, લોમ ઝોમ કરેલા, સુંદર કેશવાળીવાળા, કુકડકંધા, પલંગ જેવી પીઠોવાળા, બાજોઠ જેવી ત્રગોવાળા, રંગેલી ચમરી જેવાં પૂચ્છવાળા, અરીસા જેવી તેજસ્વી રૂંવાટીવાળા, દેવળના સ્થંભ જેવા પગોવાળા, નકોર નળિયોવાળા, પોતાની છાયાથી ભડકનારા, ભાગતાં હરણોને પકડનારા, યુદ્ધની સાંકડયમાંથી ધણીને ઉગારનારા અને તરવારોની ધારાઓમાં સામા ઘસનારા અનેક ઘોડાઓને બેવડા તંગ કસીકસીને તૈયાર કર્યાં.
મોટી મોટી તોપોને સંિદૂર ચડાવી શક્તિઓના રૂપે ઘૂપ કરી, કેટલાંક બકરાંઓના બલિદાન દઇ, ચરખે ચડાવી તૈયાર કરી. શત્રુઓ પર વ્રજપેઠે પ્રહાર કરનારી અર્ધોકોશ દૂરથી ગઢ કિલ્લાઓને પાડનારી બબ્બે મણ દારૂનો ભક્ષ કર્યા પછી ભૂખી રહેનારી, વીજળીની પેઠે કડાકા કરનારી, ધમાકાથી પૃથ્વીને ધણધણાવી દેનારી. ભાતભાતનાં નામોવાળી, ચાલતાં ચાલતાં ચહચહાટ કરતી, મેઘની પેઠે ગર્જના કરતી. રૌદ્રરૂપો વાળી, કાળકારૂપ, અગ્નિની ઝાળોના ઝપાટા દેનારી, હાથીઓના જૂથને ભાંગનારી, સપ્તધાતુના અંગોવાળી, ઘણા બળદો જોડી હાથીઓના ટલ્લા દેવાથી ચાલનારી, ફરકતી ધજા વાળી અનેક રક્ષકોથી ઘેરાયેલી, દારૂગોળા સહિત અનેક અણચુક ગુલમદારના બંદોબસ્તવાળી અનેક તોપોની હાર ચલાવી.
મહાવતોએ ધલેત ધલેત કરી હાથીઓને નવરાવી. તેલ, આંબળા, ચોળી, કાળા પહાડ જેવા બનાવી, ચાચરાઓમાં સંિદૂરની ચર્ચા કરી, કલાબા બાંધી, વીરઘંટ નાખી મહાખૂની ૮૪ હાથીઓને તૈયાર કર્યા. જાડે સાદે ગલોફાં બજાવનારાં, ખૂનથી ભરેલી રાતી આંખોવાળા, ફીણવળેલા લાંબા હોઠોવાળા, મજબૂત દીર્ઘ દેહવાળા, પવનવેગે ચાલનારા સાંઢિયાઓના માથે શોભાયમાન સાજ માંડી, સૂત્રનાળો ધારણ કરી યુદ્ધના મારગે ચાલવા જાગતી જામગ્રીએ તૈયાર થયા. આ પ્રમાણે ઘોડા, હાથી, ઊંટ, શૂરવીર યોઘ્ધાઓ, પાયદળ, અને તોપખાના સાથે સઘળી ચતુર્રંગિણી સેના અકબરની ફોજનો સામનો કરવા ભૂચરમોરીની ધાર પર આવી પહોંચી. રૂંવાડા ખડા કરી દેનાર લડાઇની વાત આવતા અંકે (તસ્વીરઃ કિશોર પીઠડિયા, જામનગર)

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved