6.4 - મનોહર ત્રિવેદીની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ



   મનોહર ત્રિવેદી આ ગાળાના મહત્ત્વનાં કવિ છે. તેઓ કવિતાના અનેક સ્વરૂપોમાં સાતત્યપૂર્વક સર્જન કરતા રહ્યાં છે. તેમની પાસેથી ‘મોંસૂઝણું' (૧૯૬૭), ‘ફૂલની નૌકા લઈને' (૧૯૮૧), ‘છૂટ્ટી મૂકી વીજ' (૧૯૮૮-૨૦૧૨), ‘આપોઆપ’ (૨૦૦૯) અને ‘વેળા’ (૨૦૧૨) એમ પાંચ કાવ્યસંગ્રહો મળે છે.

   ગીત- ગઝલ- સૉનેટ- અછાંદસ- હાઈકુ એમ કવિતાના અનેક સ્વરૂપોમાં મનોહર ત્રિવેદી અભિવ્યક્ત થતા રહ્યાં છે. સોરઠી તળપદ બાની, ગ્રામ પરિવેશ, અનેક પાત્રોના મનોભાવોને વ્યક્ત કરતા એમના કાવ્યોએ આધુનિકોત્તર કવિતાનો ચહેરો રચવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

   ‘ઠસ્સો’, ‘ભીતરે, ‘ભેરુ’, ‘ગ્રીષ્મબપોર’ સોનેટમાં જુદા જુદા ભાવ સંવેદનો સંસ્કૃત અને તળપદ એમ બાનીની અનેક તરેહોમાં આલેખાયા છે. જેમ કે :
“છેલ્લા પગે પ્રિય, ઉમળકાભેર મેં વાસ્યું તાળું
કોરે મોરે વિગત, વચમાં જોઉં ખેંચાણ મારું :
“લાંબા લાગે દિન પિયરના, રાત વેંઢારવાની’
(તેડી આવ્યો) વધુ સમય તું ક્યાં હતી ગાળવાની ?''
(છુટ્ટી મૂકી વીજ, પૃ.૯૧)
*
“અંધારાના અરવ લયમાં શબ્દ મારા પ્રશાંત
ધીમે ધીમે વિરહ ઘરને વેદનાથી વિલોકે
નિદ્રારિકતા ક્ષણ ક્ષણ નિસાસે અરે, આ બિછાને
કોનાં જાગે સ્મરણ ? જિતવા પીડ કાં જાગતી આ ?''
(છુટ્ટી મૂકી વીજ, પૃ.૯૩)
   તો ‘આણાતના અભાવનું ગીત', ‘ફળિયે ફોરી દાડમડી’, ‘એય...ને કાળુભાર’, જેવા ગીતોમાં ફળિયું, ગામ, નદીના ચિત્રો મનોહર રીતે આલેખાયાં છે. તો ‘મુખી સત્તરવાર’ જેવા કાવ્યોમાં વ્યંગ, કટાક્ષ, હાસ્ય દ્વારા તિર્યકતા સાધી છે.

   આધુનિકોત્તર કવિતા કે'તા સમગ્ર સાહિત્યનું એક મહત્વનું લક્ષણ છે હાસિયામાં ધકેલાયેલા લોકો કેન્દ્રમાં આવે છે. દલિતો, આદિવાસીઓ અને સ્ત્રીઓ પોતાની હજારો વર્ષ જૂની વેદનાઓ- આક્રોશ કવિતા- સાહિત્ય દ્વારા વ્યક્ત કર્યા. એમાં કાનજી પટેલે આદિવાસી પરંપરા, સંસ્કૃતિ, વિધિ-વિધાનોને પોતાની અછાંદસ કવિતામાં આલેખ્યાં, તો નીરવ પટેલ, મંગળ રાઠોડ, પ્રવીણ ગઢવી, કિસન સોસા જેવા કવિઓ દલિત કવિતાનો એક નોખો વિશેષ પ્રગટાવ્યો. સરૂપ ધ્રુવ, મનીષા જોષી, ઉષા ઉપાધ્યાય, ઉર્વશી પંડ્યા, પન્ના નાયક જેવી કવિયત્રીઓએ નારીની પીડાઓ આકાંક્ષાઓને કાવ્યરૂપ આપ્યું. ઉપરોક્ત કવિઓમાં બીજા નામો પણ ઉમેરી શકાય. છતાં ઉપરોક્ત દરેક ક્ષેત્રના મહત્ત્વના કવિ અવાજની વાત અહીં કરવી છે.
* * *


0 comments


Leave comment